Accident News: ગુજરાત રાજ્યમાં આજે પાંચ જુદા જુદા સ્થળોએ ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.


મુખ્ય ઘટનાઓ:



  1. ભાવનગર: ચિત્રા વિસ્તારમાં 18 વર્ષીય વિદ્યાર્થિની ઝીલ બારૈયાનું ઈકો કારની અડફેટે મોત નીપજ્યું. તે સ્કૂલે જતી વખતે આ દુર્ઘટના બની.

  2. પાલીતાણા: દુધાળા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં સંજય ગઠવી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી.

  3. ભરૂચ: કારેલીથી જંબુસર જતી સ્કૂલ બસ વરસાદી કાંસમાં ખાબકી. બસમાં સવાર 15 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ.

  4. અંકલેશ્વર: ડી માર્ટ પાસે ST બસ અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો.

  5. કચ્છ: અંજાર ગાંધીધામ હાઈવે પર ટ્રકની અડફેટે એક યુવતીનું મોત નીપજ્યું.


અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત


આજે સવારે દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. 


શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી.  


આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે.