અમદાવાદઃ ગુજરાતની પ્રજા જેની ગઈકાલથી કાગડોળે રાહ જોઈ રહી હતી તે લોકડાઉન 4.0ની ગાઈડલાઈન મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે સાંજે પ્રજા સમક્ષ રાખી છે. ગાઈડલાઈન સિવાય CM રૂપાણીએ અમૂલ પાર્લર પર માસ્કના વેચાણની જાહેરાત કરી છે. કોરોનાની લડતમાં 55 દિવસ બાદ સરકારને એકાએક યાદ આવ્યું કે લોકોને માસ્ક કેવી રીતે મળશે એટલે અમૂલ પાર્લર પર કાલથી 3 લેયર માસ્ક 5 રૂપિયામાં અને N 95 માસ્ક 65 રૂપિયામાં વેચાશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આવતીકાલથી (મંગળવારથી) અમદાવાદમાં અમુલ પાર્લરોમાં માસ્ક મળતા થઈ જશે, જ્યારે પરમદિવસથી સમગ્ર રાજ્યમાં વેચાણ શરૂ થશે. રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે, લોકોને પણ છૂટ છે કે તેઓ પોતાના ઘરે કપડાંના માસ્ક બનાવી શકે છે કે બીજા બધા માસ્ક કોઈપણ બનાવી શકે છે અને પોતે-પોતાની વ્યવસ્થા કરી શકે છે. પરંતુ, જેમને વેચાતા લેવા હોય તેમને વ્યાજબી ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર અમુલના તમામ દૂધ પાર્લરો પર બે દિવસમાં બધી વ્યવસ્થા ગોઠવી દેશે. જેથી ગુજરાતમાં કોઈ વ્યક્તિ માસ્ક વિના ન રહે અને માસ્ક વિના ન ફરે.

ઉલ્લેખનીય છે કે, ગાઈડલાઈન મુજબ, કોરોના વાયરસથી બચવા માટે ઘરની બહાર નીકળીએ ત્યારે મોં ઢાંકવું ફરજિયાત છે. જોકે, મોં ઢાંકવા માટે માસ્ક જ પહેરવો તે જરૂરી નથી. સાદા કપડાંથી પણ મોં ઢાંકી શકાય છે. માસ્ક ન પહેરવા પર 2 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીના દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે.