ગાંધીનગર: 7 ઓક્ટોબર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી માટે ખાસ દિવસ છે. કારણે કે 7 ઓક્ટોબર 2001ના દિવસે નરેંદ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. આજે નરેંદ્ર મોદી દેશના 14માં પ્રધાનમંત્રી છે અને વિશ્વના શક્તિશાળી નેતાઓમાં તેઓ ટોચનું સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી  મોદીના નેતૃત્વમાં ભારત દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વિશ્વના સૌથી તાકતવર દેશોની યાદીમાં ભારત અગ્રીમ હરોળમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેંદ્ર મોદીએ શિક્ષણ, કૃષિ, પાણી, ઊર્જા સહિતના વિષયો પર સફળ કામગીરી કરી જેના કારણે દેશમાં આજે ગુજરાત મોડલની ચર્ચા થાય છે.  નરેંદ્ર મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે તેમની કામગીરીની શરુઆત કરી હતી.  




પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઘણી વખત તેમના ભાષણમાં કહે છે કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને અવાર-નવાર ગુજરાતના ગામડાઓમાં પ્રવાસ માટે જવાનું થતું. ત્યારે લોકો તેમની પાસે માંગણી કરતા કે સાંજના ભોજનના સમયે વીજળી આપવામાં આવે. નરેન્દ્ર મોદીએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. તેમણે દરેક ગામમાં ઘરમાં 24 કલાક અને ઓછામાં ઓછા 8 કલાક ખેતરોમાં વીજળી મળી રહે તે માટે એક લક્ષ્યાંક નક્કી કર્યું હતું.  વર્ષ 2005-06માં તેમણે જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી. જ્યોતિગ્રામ યોજના આજે દેશના અનેક રાજ્યો માટે મોડલ રુપ છે. આ ઉપરાંત તેમણે સોલાર એનર્જીને પણ પ્રાધાન્ય આપ્યું જેના પગલે આજે સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે અને પ્રથમ એનર્જી સરપ્લસ રાજ્ય બન્યું છે. ગુજરાતમાં 31 જુલાઈ, 2023 સુધી 2842 મેગાવોટ સોલાર રૂફટોપ સ્થાપિત છે. 



 


નરેન્દ્ર મોદીએ ગુજરાતનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે ગુજરાતમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ખૂબ વધારે હતો. બાળકોનું શિક્ષણ રાજ્ય માટે ચિંતાનો વિષય હતો. આ બંને સમસ્યાઓનું સમાધાન માટે વર્ષ 2003માં  નરેંદ્ર મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરુઆત કરાવી. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આ પરંપરા પરીવર્તન લઈને આવી. નરેંદ્ર મોદી તેમના પ્રધાન મંડળ તેમજ સરકારના તમામ અધિકારીઓ શાળાપ્રવેશોત્સવ માટે ગામડાઓ ખુંદી બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવ્યો. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું પરિણામ એ આવ્યું કે શાળા છોડવાનો દર જે 37 ટકા હતો તે આજે ઘટીને 2 ટકા થયો છે.  




નરેંદ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળી ત્યારે નર્મદા પ્રોજેક્ટનું કામ મંદ ગતીએ ચાલતું હતું.  તેમણે નર્મદા યોજનાના બજેટમાં બે ગણો વધારો કર્યો.  આ સિવાય સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ અને કચ્છ બ્રાન્ચ  કેનાલ પ્રોજેક્ટ અમલમાં લાવ્યા. આ ત્રણ પ્રોજેક્ટના કારણે આજે ગુજરાતના દરેક ખૂણે પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ છે.  ગુજરાતની સૌથી મહત્વની યોજના નર્મદા યોજનામાં નરેંદ્ર મોદીએ તત્કાલિન  કેંદ્રની યૂપીએ સરકાર સામે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું.  




ગુજરાતના ખેડૂતો મૂળભૂત રીતે વરસાદ આધારિત ખેતી કરતા હતા.  નરેન્દ્ર મોદીએ સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ મેળામાં ખેડૂતોને લેબ ટુ લેન્ડ અભિગમ દ્વારા નવી ટેકનોલોજી અને નવા સાધનો  વિશે કૃષિ વિશેષજ્ઞો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવતી.  જેના કારણે ખેડૂતોએ નવી ટેકનોલોજી અપનાવી અને તેમની ઉપજમાં વધારો થયો.તેઓએ ગુજરાતના ખેડૂતોને ‘પર ડ્રોપ મોર ક્રોપ’નું સૂત્ર આપ્યું અને તેમને સૂક્ષ્મ સિંચાઈ માટે પ્રેરિત કર્યા. ખેડૂતોને બાગાયત માટે પ્રેરિત કર્યા અને એગ્રો અને એગ્રો પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂક્યો.  આજે ગુજરાતના ખેતરોમાં વીજળી અને પાણીની ઉપલબ્ધતાને કારણે ખેડૂતો એક સિઝનમાં વધુ પાક લઈ શકે છે. ગુજરાત આજે મગફળી  અને એરંડાના ઉત્પાદનમાં દેશમાં મોખરે  છે, જ્યારે કપાસના ઉત્પાદનમાં પણ આગળ છે. 




મુખ્યમંત્રી બન્યા પહેલા નરેંદ્ર મોદી વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈ ચૂક્યા હતા. આધુનિક વિશ્વ સાથે તાલમેલ જાળવવો હોય તો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરુરી હતું. આ વિચાર તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ અમલી બનાવ્યો અને વર્ષ 2003માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઉદય થયો. વિશ્વના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે તેમણે લાલ ઝાઝમ બિછાવી અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી. જે જીઆઈડીસી બંધ થવાને આરે હતી તેને વાઈબ્રન્ટ ગુજરાત થકી પ્રાણ પૂરી ફરી જીવંત થઈ. એટલુ જ નહી લોકોને રોજગારીના પણ અવસર ખુલ્યા. આજે ગુજરાત વિશ્વના મોટા ઉદ્યોગનું હબ ગણાય છે. દેશ અને વિદેશની આધુનિક ટેકનોલોજી સાથે ગુજરાત કદમથી કદમ મેળવે છે.