છોટા ઉદેપુરઃ નસવાડીમાં શિક્ષકે આચાર્યની હત્યા કરી હોવાનો બે દિવસ પહેલા બનાવ બન્યો હતો. જે બાદ આજે આરોપી શિક્ષક ભરત પીઠડિયાની લાશ કુવામાંથી મળી આવી હતી. હરિપુરા ગામની સીમમાં અવાવરું જગ્યાએ કુવામાંથી લાશ મળી હતી. મરનાર ભરત પીઠીયા ઉપર લિન્ડા મોડેલ સ્કુલ ના આચાર્ય મેરામણ પીઠીયા ની હત્યાનો આરોપ હતો. મૃતક ભરતના 9 ડિસેમ્બરે લગ્ન હતા. લાશ મળતાં તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


લિંડા સ્કૂલમાં આચાર્યની નોકરી કરતા મેરામણ પીઠિયાની તેમના જ પિતરાઇ ભાઇ અને કોલંબો પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયાએ હત્યા કરી હતી. આરોપીએ મૃતકના પત્ની અને પુત્રીને પણ ઘાયલ કર્યા હતા.. આરોપી અને મૃતક બંનના પરિવાર રામદેવનગરની સોસાયટીમાં જ વર્ષોથી રહે છે અને કોઇ સામાજિક ઝઘડામાં જ આ ખૂની ખેલ ખેલાયો હતો.



બંને પિતરાઇ ભાઈઓ ઘટના બની એના આગલા દિવસ-રાત સાથે જ હતા. દૂધ લેવા પણ સાથે ગયા હતા. આરોપી શિક્ષકે આચાર્યના ઘરમાં ઘૂસીને હુમલો કરતા આખી સોસાયટીમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ બંને પરિવારો જૂનાગઢના વંથલી તાલુકાના સેલરા ગામના વતની  હોવાનું સામે આવ્યું હતું.