પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે રહેતો 26 વર્ષનો રમેશ સેંગાભાઈ ડામોર છેલ્લા બે મહિનાથી સંગમ ચાર રસ્તા લાલબહાદુર શોપિંગ સેન્ટરમાં આવેલી અંબિકા વિજય રસ ઘર નામની દુકાનમાં નોકરી કરતો હતો. દુકાન માલિકે તેને દુકાનમાં જ રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. શનિવારે સવારે દુકાન માલિકે દુકાન ખોલી તો અંદર રમેશ ડામોરે પંખા પર ફાંસો ખાઈ લીધો હતો. તેમણે તરત કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસ મથકના હે.કો. અશ્વિનભાઈએ ઘટનાસ્થળે જઈને તપાસ કરતા મૃતકે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. તેણે પ્રેમિકાનું નામ લખી '' આઈ લવ યુ, આપણે આવતા જનમમાં મળીશું'' તેવું લખ્યું હતુ. તેણે પોતાના કેટલાક સંબંધીઓના કોલ ડિટેઈલ્સ કઢાવવાનું પણ લખ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રમેશ ડામોરને પોતાના સગામાં જ થતી એક પરિણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે સંબંધો હતા. આ પ્રેમિકા તેના દૂરના સગપણમાં થતી હતી. આ પ્રેમસંબંધની જાણ રમેશના પરિવારજનોને થઈ જતાં ત્રણ દિવસ પૂર્વે રમેશને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો. પ્રેમસબંધના કારણે જ રમેશ ડામોરે આપઘાત કરી લીધો હતો. રમેશની પરિણીત પ્રેમિકા સગપણમાં જ થતી હોય તેના પરિવારમાં પણ આ બાબતે નારાજગી હતી.