ગીર સોમનાથના ઉનાના જરગલી ગામે નેવડી નદીમાં પૂરમાં વાડી વિસ્તારના ખેડૂતો ફસાયા હતા. સ્થાનિક લોકોએ દોરડાની મદદથી ખેડૂતોને બચાવ્યા હતા. દોરડાની મદદથી તમામ લોકોને નદી પાર કરાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.




બીજી તરફ જૂનાગઢમા ભવનાથ વિસ્તારમાં વરસાદના પાણીમાં તણાયેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સોનરખ નદીમા પાણી આવી જતા ગાડી તણાઈ ગઇ હતી. ગાડી પલટી જતા પિતા અને પુત્રી અલગ પડી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. પાણીમાં તણાતા દીપચંદા રાહોઠ નામની મહિલાનું મોત થયુ હતુ. મૃતક મહીલા ખાનગી શૈક્ષણિક સંકુલમા ફરજ બજાવતી હતી. પરિવારજનો આ મામલે હાલમાં કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.


જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એવામાં જસદણના ઈશ્વરીયા ગામમાં પૂર વચ્ચે ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં એક નાનું બાળક પણ સામેલ હતા. જેને જસદણ નગર પાલિકાના ફાયર વિભાગના જવાન દ્વારા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બચાવી લાવવામાં આવ્યું હતું. હાલ આ નાના બાળકના રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય અને શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જસદણ ,આટકોટ, વીરનગર,બળધોઈ જસાપર, હલેન્ડા નવાગામ, જીવાપર, ગરણી, પાંચવડા, ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. બળધોઈ ગામે ભારે વરસાદના કારણે ઇકો કાર તણાઈ હતી. બળધોઈ ,વીરનગર ,જસાપર,પાંચવડા ગામે 3 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસાદ પડ્યો હતો. જસદણના જીવાપર પાસેનો કણુંકી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના સાત દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વર્તમાન સીઝનમાં રાજ્યમાં કુલ સરેરાશ 69.97 ટકા વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૯.૯૮ ટકા વરસાદ નોંધાયો હતો.  રાજ્યના ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ એટલે કે, ૧૧૮ મિ.મી વરસાદ વરસ્યો હતો.