Gujarat News: ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં
પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
પોલીસની હાજરીમાં કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.
સાવલીમાં પણ પથ્થરમારો
ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.