નવસારી : નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.  24 કલાકમાં નવસારી શહેરમાં  11 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જલાલપોરમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.  વાંસદામાં પાંચ ઈંચ વરસાદ  વરસ્યો છે.  ચીખલી અને ખેરગામમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે નવસારી શહેર પાણી પાણી થયું હતું. રસ્તાઓ પાણીમાં  ગરકાવ થયા હતા. ધોધમાર વરસાદના કારણે અનેક  ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. નવસારી શહેરનો શાંતાદેવી રોડ જળમગ્ન થઈ ગયો હતો. મુખ્યમાર્ગો પર તો પાણી ભરાયા જ  પરંતુ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. 



નવસારીમાં માછી માર્કેટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતા.  રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.  માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ પડી ગયા હતા. શહેરના રસ્તાઓ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.  ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે. શાળામાં પણ રજા જાહેર કરાઈ છે.  કાલીયાવાડી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા હતા.  શાંતિવન સોસાયટી, ભૂત ફળિયા અને રાજીવનગર સહિતની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.  મોડી રાત્રે ઘરોમાં અચાનક પાણી પ્રવેશતા લોકોએ કિંમતી સામાન સાથે સ્થળાંતર કર્યું હતું.  જૂનાથાણા વિસ્તારમાં વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસર્યા. વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. 




ઉપરવાસમાં વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી 22 ફૂટને પાર પહોંચી હતી.  પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ નીચે વહી રહી છે.  શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.   ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થયો છે.  નદીની સપાટી 19 ફૂટ પર પહોંચતા નદી કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ડુબી ગયું. મંદિર પરિસરની સાથે મંદિરની અંદર પણ નદીના પાણી ફરી વળ્યા હતા.  કાવેરી નદી પર આવેલો કોઝવે પાણીમાં ડુબી ગયો હતો.  જેના કારણે ચીખલીથી હરણ ગામ તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો.  


વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી


સૌરાષ્ટ્ર,  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે.  24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.  આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial