Vadodara Rain: હાલમાં વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કરજણ તાલુકામાં ભારે વરસાદને લઈ તાલુકાનું છંછવા ગામ સંપર્ક વિહોણું થયું છે. છંછવા ગામને જોડતો મેથી-સીમળી રોડ પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ ઉપરાંત ગામના નવીનગરીમાં 7 જેટલા મકાનોમાં પાણી ઘુસ્યું છે.
તો બીજી તરફ કરજણથી સામારી જવાના મુખ્ય માર્ગ પર અડધા કિલોમીટર સુધી ખેતરોમાંથી વરસાદી પાણી રોડ પર ફરિવળતા આ રૂટના તમામ ગામ સંપર્ક વિહોણા થયા છે. કરજણમાં ભારે વરસાદને લઇ કરજણ પંથકના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે.
કરજણના સામરી ગામે પ્રાથમિક શાળા, સામારી ગ્રામ પંચાયત, નંદ ઘર સહિત સામરી બસ સ્ટેન્ડ, ભાથીજી ફળીયામાં કેડસમાં વરસાદી પાણી ભરાતા આ વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામરી ગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
ભાથીજી ફળીયા વિસ્તારમાં અંદાજિત 15થી 20 જેટલા ગરીબ પરિવારોના ઘરો આવેલા છે. વરસાદી પાણી ઘરોમાં ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોને આક્ષેપ છે કે, કોઈ અધિકારી તંત્ર જોવા નથી આવ્યું. આ વિસ્તારના રાત્રી દરમિયાન સ્થાનિક લોકો ભૂખ્યા તરસ્યા ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની વર્ષોથી સમસ્યા છે. વર્ષોથી આ વિસ્તારના લોકોની દર ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતા હેરાન પરેશાન થાય છે. જોકે, અનેક રજુઆતો છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બારડોલીની મીંઢોળા નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ
ઉપરવાસમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીનું જળસ્તર ખુબ જ વધી ગયું છે. જેને લઈ બારડોલી રામજી મંદિરથી હાઇવે પર જતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. મીંઢોળા નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થઈ જતા પ્રશાસન દ્વારા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પ્રશાસન દ્વારા સાવચેતી ના ભાગ રૂપે પોલીસ પણ મુકવામાં આવી છે.
મીંઢોળા નદીએ રૌદ્રસ્વરુપ બતાવતા બારડોલી નગર પ્રભાવિત થયું છે. નદીના પાણી નગરના નીચાણવાળા ભાગોમાં પ્રવેશ્યા છે. કોર્ટની સામે આવેલા ખાડામાં પાણી ભરાયા છે. અહીં 30 થી વધુ પશુપાલકો વસવાટ કરે છે. તમામ સુરક્ષિત સ્થળે ખસી જતા જાનહાની તળી છે.
.
તો બીજી તરફ બારડોલી રાજીવ નગરના 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાત્રે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ બપોર સુધીમાં પાણી ઓસર્યા નથી. લોકો રાત્રે 1 વાગ્યાથી પાણીમાં રહેવા મજબુર બન્યા છે. બારડોલી ખાતેથી વહેતી મીંઢોળા નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. રામજી મંદિરની બાજુમાં આવેલ લો લેવલ કોઝવે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સામેના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. લોકો પોતાના જીવનો વિચાર કર્યા વિના પાણીના વહેણમાં કૂદતાં હોવાથી એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ તેમજ પોલીસનો કાફલો હાલ લો લેવલ બ્રિજ ખાતે તેનાત કરવામાં આવ્યો છે.