નવસારીઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામની કોલેજનો અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીએ ઘરના રસોડામાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આશ્ચર્યજનક રીતે તેના આપઘાત માટેનું કારણ ઓનલાઇન શિક્ષણથી કંટાળો હોવાનું ગણાવાય છે પણ આ કારણ ગળે ઉતરે તેવું નથી. આ કેસમાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.  


પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી 18 વર્ષની ક્રિષા અરવિંદભાઈ રાઠોડ નવસારીની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી.  ક્રિષા એસવાય બીકોમમાં ભણતી હતી.


જો કે લાંબા સમયથી કોરોનાની મહામારીને કારણે કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ માટે ઘરેથી ઓનલાઇન શિક્ષણ ચાલે છે. ક્રિષા પણ ઓનલાઈ શિક્ષણ મેળવતી હતી. ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ લેવાનું હોવાથી ક્રિષા ખૂબ કંટાળી જતી હતી. તેના કારણે તે સતત તણાવમાં રહેતી હતી તેવો પરિવારનો દાવો છે.


આ તણાવમાં જ તેણે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાના જ ઘરના રસોડામાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેના પિતા અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડે આ ઘટના અંગે  અમલસાડ આઉટ પોસ્ટ પોલીસને જાણ કરી હતી.  બનાવની જાણ થતાં અમલસાડ આઉટ પોસ્ટ પોલીસના હેડ કોન્સ્ટેબલ  રામુભાઈ રામચંદ્ર સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને  કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુવાનજોધ પુત્રીના કરૂણ મોતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને ભારે આઘાતમાં છે.