પોરબંદર: છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદી પડી રહ્યો છે. જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેને લઈને લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હેલ્થ ઈમરજન્સીના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોરબંદર ખાતે આવી જ ઘટના સામે આવી છે.
ચારે તરફ પાણીથી ઘેરાયેલા કડછ ગામની સગર્ભા મહિલાને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે. ઉપરવાસના ભારે વરસાદને લીધે પોરબંદર જિલ્લાના ઘેડના ગામો ચારે તરફ પાણીથી ઘેરાયેલા છે અને બેટ જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લા તંત્રએ પૂરગ્રસ્ત સ્થિતિમાં લોકોની સલામતીના પૂરતા પગલાં લીધા છે. પૂર્વ આયોજનને લીધે મુશ્કેલીમાં લોકોને મદદ મળી રહી છે.
પોરબંદર જિલ્લાના ઘેડમાં એનડીઆરએફની ટીમનો કેમ્પ છે. કડછ જવાનો રસ્તો બંધ હોય ગામમાં સગર્ભા મહિલાને અને તેના બે પરિવારજનોને રેસ્ક્યુ કરી બોટ મારફતે એનડીઆરએફના જવાનોએ સલામત સ્થળે ખસેડી રાહત બચાવની કામગીરી કરી હતી. મહિલાને જરૂરી સારવાર પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવી હતી.
રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાણી 24 કલાક ચાર જિલ્લા માટે હજુ પણ ભારે રહેશે. રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં છૂટા છવાયા ભારે વરસાદની આગાહી છે. બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial