ગાંધીનગર:રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, પાટણ, ભૂજ, જૂનાગઢ અને રાજકોટમાં NDRFની ટીમો મોકલવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ પાટણ પહોંચી છે. NDRFની ટીમ 25 જવાનો સાથે પાટણ પહોંચી છે.

સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જેથી NDRFની 33 લોકોની ટીમ અત્યાધુનિક સાધનો સાથે રાજકોટ પહોંચી છે. NDRFને રાજકોટ અને ઉપલેટા સ્ટેન્ડબાઈ રખાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યું છે. તેના કારણે ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મોન્સૂન ટર્ફ અને બંગાળ તેમજ ઉત્તરપ્રદેશના બે સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ચોમાસુ શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.