ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે 31મેના કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. આ પહેલા હવામાન વિભાગે દેશમાં વર્ષ 2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર, કચ્છ તરફ આવતું હોય છે.


આ પહેલા ગુજરાતમાં હોળીની ઝાળ અને અખાત્રીજના પવનની ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશા પરથી એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે જેને હવામાનની આગાહી પરથી અનુમોદન મળી રહ્યું છે.


હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે. આંદામાન નિકોબાર ટાપુ, બંગાળની ખાડીમાં તો તા.21 મેથી વરસાદી ગતિવિધિ તેજ બની જશે.


ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ  બેસતું હોય છે. જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે.


મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ  હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ આવે તો કૃષિપાક સતત ત્રીજા વર્ષે બમ્પર થવાની પણ આશા છે.


નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા, ગવરીદડ ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જિલ્લાના લોધિકા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.


તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો જિલ્લાના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કેસર કેરી સહિત મગ અને તલના પાકને નુકસાન થવાની ભીતિ છે.