ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે 28, 29 અને 30 જૂલાઈએ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતા ચાલુ મહિનાના અંતમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાંગના વઘઈ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતા અંબિકા નદી બે કાંઠે વહી રહી છે.

સુરતમાં પણ આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણ કલાકથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરના લોકો વરસાદની મજા માણવા માટે રસ્તાઓ પર ઉતર્યા છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.