ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત માં રાત્રિ કર્ફ્યુ હાલની જેમ જ યથાવત્ રહેશે.

ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. ભારત બંધના પગલે 8 ડિસેમ્બરે રાજ્યભરમાં કલમ 144 લાગુ રહેશે. કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે રાજ્યમાં રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતા ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ હતો. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દરરોજ  1400ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે.