એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ હવે ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ‘નિસર્ગ’ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેને લઈને ગુજરાતના દરિયાના કાંટા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં સુરત, વલસાડ, નવસારી, અમરેલી, અને ગીરસોમનાથના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વાવઝોડાના કારણે દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી કહ્યો છે. જેના કારણે સુરતના 32 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સુવાલ દરિયા કિનારે પોલીસને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયા કિનારે આવેલી દુકાનદારોએ પોતાનો સામાન ખસેડી દીધો છે.

વલસાડમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે તો તંત્ર દ્વારા જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. વલસાડના ત્રણ જિલ્લા આ વાવાઝોડાથી વધુ પ્રભાવિત થઈ શકે છે. વલસાડ તાલુકાના 18 ગામો જેમાં ભગોદ, મેહ, મગોદ, સુરવાળા, સેગવી, તિથલ, કોસંબા, ભદેલી, દેસાઈ પાર્ટી, ભડેલી જગાલાલા, છરવાડા, ભાગલ, દાંડી, માલવણ, દાંતી - કકવાડી, ધરાસાણા, ભાગડા ખુર્ડ, ઉમરસાડી, ઉતડી અને પારડી તાલુકાના 4 ગામો કોલક, ઉદવાડા, કલ્સર, ઉમેસાડી, જ્યારે
ઉમરગામ ના 13 ગામો ગોવાડા, દેહરી, ઉમરગામ, પલગામ, વારોલી, નારગોલ, સરોનડા, મરોલી, ફણસા, કાલઈ , પાલી કરમબેલી, પાલી સહિતના ગામોને એલર્ટ પર રખાયા છે.

મહત્વની વાત એ છે કે, NDRFની વધું 2 ટીમોને દમણ અને સેલવાસ ખસેડવામાં આવી છે. 10 ટીમો ગુજરાતમાં અને બાકીની 4 ટીમો દમણ, દીવ અને દાદરાનગર હવેલી ખાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અત્યારે કુલ 14 ટીમો રાજ્યમાં સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પીપીઈ કીટ સાથે ટીમોને સજ્જ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ બોટ, સેટેલાઈટ ફોન સહિતની સામગ્રી સાથે એનડીઆરએફની ટીમો કામ કરશે. NDRFની એક ટીમમાં 30 જવાનોનો સમાવેશ કરાયો છે.

નિસર્ગ વાવાઝોડાના સંભવિત જોખમને લઈને ગીર સોમનાથમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. 28 જવાનો સાથેની ટીમ વેરાવળ ખાતે આવી પહોંચી છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબના વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરશે. નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં 4 ટીમ, નવસારીમાં 2, સુરત 3 ટીમ અને ભરુચ, આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં NDRFની એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.


અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કાંઠા પર 700 ઉપરાંતની બોટો દરિયા કિનારા પર લાંગરી દેવામાં આવી છે અને હાલ જાફરાબાદનો દરિયા કાંઠો બોટોના ખડકલાથી ભરાઈ ગયો છે. જાફરાબાદના ખારવા સમાજની 500 ઉપરાંતની બોટો લોકડાઉન દરમિયાન દરિયો ખેડવા ગઈ જ ન હતી. કોળી અને મુસ્લિમ સમાજની 200 જેટલી બોટો દરિયામાંથી પરત કિનારે આવી ગઈ છે અને સંભવિત વાવાઝોડા સામે માછીમારો પણ બોટો કિનારે લાંગરીને કિનારા પર બોટો ખડકાઈ ગઈ છે.

સંભિવત નિસર્ગ વાવાઝોડાને કારણે એનડીઆરએફની વધુ 5 ટીમો માટે કેન્દ્ર પાસે માંગ કરવામાં આવી છે. દિલ્હીથી એરલિફ્ટ કરીને આ ટીમોને ગુજરાત લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની 12 ટીમો અને કેન્દ્રની વધુ 5 ટીમો સહિત 17 ટીમો અલગ-અલગ જિલ્લામાં તૈનાત રહેશે.