Nitin Patel: ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર શબ્દ બાણ છોડ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમ પર નીતિન પટેલે વિરોધીઓ પર ચાબખા માર્યા હતા. પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી સલાહ આપતા નેતાઓને આડેહાથ લીધા છે. નીતિન પટેલે કહ્યું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા... “જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલે સ્પષ્ટ સૂચના આપી છે. ન માત્ર નીતિન પટેલ પણ વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે પણ કહ્યું કે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે અને અમને સલાહ આપવાનું બંધ કરે.


મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ માં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમને લઈ એક સભાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતાં. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર પી પટેલ, ભાજપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ મંચ ઉપરથી નીતિન પટેલે ફરી એકવાર શબ્દોમાં છોડ્યા હતા. જાહેર મંચ ઉપરથી  નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે અમને સલાહ આપવાનું બંધ કરો  જેના ઘરમાં પત્ની પાણીનો ગ્લાસ નથી પીવડાવતી તે અમને આવી સલાહ આપે છે.



તો બીજી તરફ આર પી પટેલે પણ કહ્યું હતું કે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે અમને સલાહ આપવાનું બંધ કરે. જોકે સવાલ એ થાય છે કે આ બંને પાટીદાર નેતા ને સલાહ કોણ આપે છે એબીપી અસ્મિતા જ્યારે તેમને પૂછ્યું ત્યારે બંને આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.


આ પહેલા પણ નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો. થોડા દિવસ પહેલા કડી ખાતે નગરપાલિકાનાં લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂથવાદનો સ્વીકાર કર્યો હતો. ચુંટણીની ખાનગી માહિતીનો નીતિન પટેલે બળાપો કાઢ્યો છે. નીતિન પટેલે કહ્યું કે, આજ કાલમાં આવેલા શીખવાડે છે. કડીમાં ભાજપનો જૂથવાદ નીતિન પટેલે જાહેર મંચ પર સ્વીકાર્યો છે. શું નીતિન પટેલનું કડીમાં ચાલતું નથી ? તે એક મોટો સવાલ છે.


કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો ઠાલવતાં કહ્યું કે, ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. તમે આજ કાલના આવેલા અમને શીખવાડશો?