અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યૂમાં છૂટછાટના સંકેત આપ્યા છે. વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ નીતિન પટેલે કહ્યું રાત્રી કર્ફ્યૂને લઈ તબક્કા વાર નિર્ણય લેવાશે. રાજ્યના ચાર મહાનગરોમા હાલ રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ છે.

રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય તે માટે નિર્ણય લેવાઈ શકે છે. મહાનગરોમાં લાદવામાં આવેલા કર્ફ્યૂ દૂર કરવા અથવા છૂટછાટ આપવા અંગે સરકાર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસરની પણ ચિંતા છે.

નોંધનીય છે કે રાજ્યમાં કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 380 કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.74 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.

રાજ્યમાં ગઈકાલે 637 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,51,400 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 4041લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં એક-એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4381 પર પહોંચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 88, સુરત કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 43, વડોદરામાં 20, સુરતમાં 12, આણંદમાં 6, ભરૂત-ગાંધીનગર-જુનાગઢ-ખેડા-કચ્છ-રાજકોટમાં 5-5, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશન-મહેસાણા, સાબરકાંઠામાં 4-4, અમરેલી-દાહોદ-ગીર સોમનાથ-મોરબી-પંચમહાલમાં 3-3 કેસ નોંધાયા હતા.