જૂનાગઢ: કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ ગઈકાલે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. જેને લઈ ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


સીએમ રૂપાણીએ શું કહ્યું


જૂનાગઢમાં સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજન કમી ના કારણે મૃત્યુ થયું નથી. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી. જેમાંથી સવા આઠ લાખ લોકો સારવાર લઈને પરત ફર્યા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી આક્ષેપો કરે છે. વિદેશ કરતા ભારતમાં સારી સારવાર મળી હોવાનો દાવો  પણ તેમણે કર્યો હતો.


રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈ શું કહ્યું રૂપાણીએ


રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો રદ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કલેક્ટરે મેળો બંધ રાખવા અંગેનું ગઈકાલે જાહેરનામું બહાર પાડી દીધું છે. કોરોનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ કોરોના ગયો નથી તેમ માનીને નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય. રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે  મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.


કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનનાં અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ ઉઠાવ્યા હતા. આના જવાબમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું.


રાજ્યસભામાં સરકારે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિયમિત ધોરણે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ અંગેની માહિતી આપવામાં આવે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશએ આરોગ્ય મંત્રાલયને ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ વિશે માહિતી આપી નથી.


આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે પ્રથમ લહેરમાં 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી, જ્યારે બીજી લહેરમાં માંગ 9,000 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. સરકારે કહ્યું કે બીજી કહેરમાં કેન્દ્ર દ્વારા રાજ્યમાં 28 મે સુધી 10,250 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકને મહત્તમ 1200-1200 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યું હતો. જ્યારે, દિલ્હીને 400 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો.