રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આશા નહીં. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યમાં સારા વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.


આમ, ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭ ટકા ઓછો નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા,  ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાયો છે.


મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી


દેશમાં ભારે વરસાદે પહાડથી લઈ રણ સુધી હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી કેટલાક રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. દેશનું દિલ જેને કહેવાય છે તે મધ્યપ્રદેશ હાલ પૂરમાં ડૂબ્યું છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા શિવપુરી, શિયોપુર અને દતિયામાં ભારે વરસાદે સૌથી વધુ તબાહી મચાવી દીધી છે. ત્રણેય જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.


હવામાન વિભાગે મધ્યપ્રદેશના 25 જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આઘાહી કરી કરી છે. તો શિવપુરી અને શિયોપુરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી શિવપુરીમાં 47 સેંટિમીટર, ગુનામાં 27 સેંટિમીટર, અશોકનગરમાં 20 સેંટિમીટર અને ટીકમગઢમાં 10 સેંટિમીટર વરસાદ વરસી ચૂક્યો છે.


મધ્યપ્રદેશમાં પૂરના હાહાકારના કારણે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરી શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. આ તરફ શિવપુરીમાં ભારે વરસાદ અને પૂરના કારણે 45થી વધુ પરિવારો ફસાયા હતા. હાલ વાયુસેનાએ ફસાયેલા લોકોને બચાવી લેવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ તરફ SDRFએ અત્યાર સુધી 15 લોકોને હોડીની મદદથી બચાવી લીધા હતા. તો 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું હતું.