Eknath Shinde New Remark: શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક દિવસ પહેલા નિવેદન આપીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો, હવે તેમણે તે નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે. એકનાથ શિંદેએ હવે કહ્યું છે કે અમારા સંપર્કમાં કોઈ રાષ્ટ્રીય પક્ષ નથી. શિંદેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષનું સમર્થન તેમના ધારાસભ્ય જૂથ સાથે છે.


એકનાથ શિંદે(Eknath Shinde)એ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે એક વિડિયોમાં ધારાસભ્યોને કહ્યું હતું કે તે (ભાજપ) એક રાષ્ટ્રીય પક્ષ છે, અમને તેમનો ટેકો છે. શિંદેએ કહ્યું કે તેમણે મને કહ્યું છે કે લેવાયેલ નિર્ણય ઐતિહાસિક છે અને જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ હાજર રહેશે. રાજકીય માહોલ ગરમ છે અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિંદે ભાજપની મદદથી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. જો કે, શિંદેએ તેમના નિવેદનમાં કોઈપણ પક્ષનું નામ લીધા વિના રાષ્ટ્રીય પક્ષ શબ્દનો ઉપયોગ કર્યો હતો.


એકનાથ શિંદેનો અચાનક યુ-ટર્ન કેમ ? તેના વિશે અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે. જો કે આજે પણ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ ચંદ્રકાંત પાટીલે સ્પષ્ટ કરી દીધું છે કે શિવસેનામાં ચાલી રહેલી વિવાદ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તે જ સમયે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે દાવો કર્યો છે કે તેમની પાર્ટી એનસીપીનું સમર્થન ઉદ્ધવ ઠાકરેની સાથે છે.


મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે અજિત પવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે  એનસીપીનું સંપૂર્ણ સમર્થન ઉદ્ધવ ઠાકરેની સાથે છે.  તેમણે કહ્યું કે સીએમ શિવસેનાના છે અને જો કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન હોય તો સરકાર બહુમતીમાં છે. જો સરકાર બહુમતીમાં હોય તો તેમને નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. 


માતોશ્રીમાં એક મીટિંગ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવે કહ્યું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકો રહી નથી શકતા. એક સમયે શિવસેના માટે મરવાની વાતો કરતા હતા હવે પાર્ટી તોડવાની વાતો કરે છે