દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આજથી ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ તેજ રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હજુ 8 ટકા વરસાદની ઘટ છે.
તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં આવેલા મંકોડિયા, દુધિયા તળાવ, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો.તો આ તરફ ગણદેવી, ચીખલી, વીજલપોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. રાજ્યમાં ચોમાસાની સિઝન હજી સામાન્ય બની નથી તેમ છતાં જુલાઇમાં સારા વરસાદની આશાએ વાવેતર વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે. રાજ્યમાં ખરીફનો નોર્મલ વાવેતર વિસ્તાર 85.54 લાખ હેક્ટર છે.
રાજ્યમાં સામાન્ય રીતે કપાસ અને મગફળીનું વાવેતર વધારે થાય છે. આ વર્ષે કપાસમાં અત્યાર સુધીમાં 11.66 લાખ હેક્ટર તેમજ મગફળીમાં 9.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે તમાકુનો વાવેતર વિસ્તાર પ્રતિવર્ષ ઘટતો જાય છે. તમાકુનો સામાન્ય વાવેતર વિસ્તાર 50 હજાર 848 હેક્ટર છે. જે પૈકી ગયા વર્ષે આ સમયગાળામાં 40 હેક્ટર અને આ વર્ષે માત્ર 11 હેક્ટરમાં વાવેતર થયું છે.
કૃષિ વિભાગના 28 જૂનના આંકડા પ્રમાણે મકાઇ, જુવાર, બાજરી અને ડાંગરની રોપણી 74519 હેક્ટર વિસ્તારમાં થઇ છે જે સામાન્ય રીતે 13.55 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. ગયા વર્ષે 1.07 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. જો કે હજી વાવણીની શરૂઆત છે તેથી વરસાદની આશાએ બેસી રહેલા ખેડૂતોએ આ પાકોમાં હજી વાવેતર શરૂ કર્યું નથી. બીજી તરફ કઠોળ પાકોમાં 10.27 ટકા એટલે કે 44 હજાર 226 હેક્ટરમાં તુવેર, મગ, મઠ, અડદ અને અન્ય કઠોળનું વાવેતર કર્યું છે.