Gujarat Rain: ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. ચોમાસુ ક્યારે બેસશે તેને લઈને હજુ કોઈ ચોક્કસ સ્પષ્ટ થયું નથી. હવામાન વિભાગના મતે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થાય તે માટે હજુ જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી અને તેને લઈને ચોમાસામાં વિલંબ જોવા મળી રહ્યો છે.
હજુ અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધ્યું નથી. પરંતુ રાજ્યમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે તેને લઈને 27 તારીખ બાદ વરસાદની ગતિવિધિ સ્પષ્ટ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ રહેશે અને 25 અને 26 જૂને વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને વડોદરા, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગનુ અનુમાન છે.
બનાસકાંઠામાં વાવાઝોડા બાદ વરસેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. સરહીય વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવના ટડાવથી ચોટીલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. સાથે જ 20થી વધારે એકરની જમીનમાં પણ પાણી ભરાયા હતા. જો કે હાલ તો વરસાદ વરસી રહ્યો નથી પરંતુ વરસાદના પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
થરાદ પંથકમાં પણ વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. ભડોદર નજીક રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રોડની સાઈડમાં આવેલ ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ આજ પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી પરંતુ પાણીનો નિકાલ થયો નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઇને આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે 25થી 30 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 25 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીના સ્તર ઉંચા આવશે. 5 થી 8 જૂલાઈ દરમિયાન દેશ અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. એટલું જ નહી જૂલાઇમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, જૂલાઇમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. જૂનના અંતમાં અથવા જૂલાઇમાં મુંબઇમાં વરસાદની શરૂ થશે. અંબાલાલે કહ્યું હતું કે ચોમાસુ કર્ણાટકમાં ગૂંચવાયું છે પરંતુ જૂલાઇમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડશે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની પણ આગાહી કરવામાં આવી છે.