ગાંધીનગર:  રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પરેશાન છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ભારે વરસાદ વરસશે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજના કારણે સૌરાષ્ટ્ર , ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.  






રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી  છે. રાજ્યમાં 94.5 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ હાલ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. 


દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,  તાપી,  નવસારી, દમણ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.   ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  






બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

 

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થઇ રહ્યો છે. 

 

વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય 

 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  ખેડૂતોની માંગ છે કે ત્વરિત વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.