અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે, જૂન 30 ના રોજ, રાજ્યના 13 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વરસાદ આજે તૂટી પડશે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજ,  ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સ્થાનિકોને સાવચેત રહેવા જણાવાયું છે.

જુલાઈ 2 થી 3 દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, જુલાઈ 2 થી 3 દરમિયાન ગુજરાતમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે ભારે વરસાદની શક્યતા છે. આ દિવસોમાં વધુ તીવ્ર વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે અન્ય મુશ્કેલીઓ સર્જાવાની સંભાવના છે. તંત્ર દ્વારા આ અંગેની તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદ યથાવત રહેશે.  હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે તો 2 અને 3 જૂલાઈના ભારે વરસાદની આગાહી કરી છે.

સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો છે. 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છ ઝોનમાં સીઝનનો અત્યાર સુધી સરેરાશ 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધી 33.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં 16 જૂનથી સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે 29 જૂન સુધીમાં ચોમાસાની સીઝનનો 11 ઈંચ વરસાદ એટલે કે સીઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદમાં આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસામાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં સીઝનનો સરેરાશ 5.50 ઈંચ સાથે 28.83 ટકા વરસાદ વરસ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 10.56 ઈંચ સાથે 33.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 20.09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવો માત્ર એક તાલુકો છે. તો 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ અને પાંચ તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ગત વર્ષે 29 જૂન સુધીમાં સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ વરસ્યો હતો.