દ્વારકાઃ ગુજરાતમાં વિધાસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ચિંતિન શિબિર યોજવામાં આવશે. આગામી ૨૫/૨૬/૨૭ ના ત્રણ દિવસ રાહુલ ગાંધી કોંગ્રેસની ચિંતન સિબિરમાં આવશે. દ્વારકાના આહીર સમાજની વાડી ખાતે ત્રણ દિવસ યોજાશે. રાજ્ય કક્ષાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવાની છે. દ્વારકામાં કોંગ્રેસ ના પ્રદેશના નેતાઓ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સી જે ચાવડા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ દ્વારકા પ્રવાસ કર્યો. દ્વારકાના હેલિપેડ તેમજ શિબિરવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કર્યું. દ્વારકાના રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગે દ્વારકાની રૂટ મુલાકાત લેતા કોંગ્રેસ પ્રદેશના નેતાઓ.
મહેસાણાઃ કૉંગ્રેસ હજુ પણ તૂટવાનું નક્કી છે. સૂત્રોના મતે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાની સમિતિ અને ચૂંટાયેલા સભ્યો હજુ પણ તૂટી શકે છે. પાલિકા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યો તથા પૂર્વ સભ્યો પણ કૉંગ્રેસને રામ રામ કરી શકે છે. મહેસાણા બાદ બનાસકાંઠામાં કૉંગ્રેસ તૂટવાનો દાવો કરાયો છે. બનાસકાંઠાના વિવિધ તાલુકાના હોદ્દેદારો કૉંગ્રેસ છોડી શકે છે. હોદેદારોની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ કૉંગ્રેસ છોડી શકે છે. જયરાજસિંહ પરમારની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ભાજપમાં જોડાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
બીજી તરફ મહીસાગર જિલ્લા કોગ્રેસમાં ભંગાણ પડ્યું છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલે કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો એટલું જ નહીં, 21 ફેબ્રુઆરીના પોતાના ટેકેદારો સાથે કમલમમાં જઈ ભાજપનો ખેસ પહેરવાની પણ જાહેરાત કરી હતી. નારાજ હીરાભાઈના મતે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસે ટિકિટ આપવાની વાત કહી હતી. આ માટે તેમણે તૈયારીઓ પણ કરી અને રેલીઓ યોજી હતી. જો કે, છેલ્લી ઘડીએ તેમનું પત્તું કપાયું અને ટિકિટ મળી નહોતી. જેને લઈ નારાજ હીરાભાઈએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ભાજપમાં જોડાવાને લઈ હીરાભાઈએ કહ્યું. 'જાગ્યા ત્યારથી સવાર..'
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે જયરાજસિંહ પરમારે આક્રમકતા બતાવીને કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સામે આકરા પ્રહારો કર્યા હતા.
જગદીશ ઠાકોરે કહેલું કે, કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરવું જોઈએ. તેની સામે આકરી પ્રતિક્રિયા આપતાં પરમારે કહ્યું કે, હું શાયરી લખું તેમાં પાર્ટીએ નાચવાની વાત ક્યાં આવે છે ? ને જગદીશભાઈએ કેટલી વાર પાર્ટીને નચાવી છે એ દુનિયા નથી જાણતી ? હું નથી જાણતો ને ? એ કચ્ચા ચિઠ્ઠા નહીં ખૂલે ? જગદીશભાઈએ જીપીસીસીની ઓફિસે લોકોને લાવીને ધોકા ને ધારિયાં મરાવેલાં એ લોકોએ નથી જોયાં ? એટલે મહેરબાની કરજો. મારી નાખું ને કાપી નાંખું ને ભુક્કા કરી નાંખું એવું બધું લોકશાહીમાં ના હોય. જગદીશભાઈએ ભૂતકાળમાં પાર્ટીને કેટલી વાર નચાવી છે એ કહેવું જોઈએ.
જગદીશ ઠાકોરે પોતાને મનાવવાના પ્રયાસો કર્યા નથી એવો આક્ષેપ કરતાં જયરાજે કહ્યું કે, બધાં જૂઠાણાં ફેલાવવામાં આવે છે. જગદીશભાઈએ અઠવાડિયા પહેલાં કંઈ કામ હશે એટલે ફોન કર્યા હશે પણ બુધવારે એક પણ ફોન કર્યો નથી. પ્રભારી રઘુ શર્માએ પણ મને કોઈ ફોન કર્યો નથી.
મહેસાણા કોંગ્રેસના કાર્યકરોના ભાજપ પ્રવેશ અંગે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, પક્ષ પલટો કરાવવાનું વર્ષોથી ચાલે છે અને હવે પછી પણ ચાલશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે એ પહેલાં પણ ભાજપ આવું જ કરશે. વાત માત્ર એટલી છે કે એમનું તળિયું નથી રહ્યું ને બીજાનું ઉછીનું લઈ રહ્યા છે. અગાઉ ભાજપ પ્રમુખ કહેતા કે અન્ય પાર્ટીના નેતાની જરૂર નથી. હવે કોંગ્રેસના નેતાઓને લઈને થૂંકેલું ચાટે છે.