Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે વિસ્તારમાં વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ ઉપરાંત ભેસાણમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જૂનાગઢની ઓજત નદી બે કાંઠે વહેવા લાગી છે. ડેમના તમામ 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. વથંલી પાસેના ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદને લીધે નદીમાં નવા નીર આવ્યા છે.
આ ઉપરાંત વિસાવદર નજીક આવેલ આંબાજળ ડેમમાં નવા નીર આવ્યા છે. આંબાજળ જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ડેમ આસપાસના વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરુ પાડે છે. હવે નવા નીર આવતા સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે.
જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ બાદ ઉબેણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉબેણ ડેમ ભેસાણ તાલુકાનો સૌથી મોટો ડેમ છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ઉબેણ હેઠળ કુલ 17 ગામો આવે છે.
જુનાગઢ જિલ્લાના વંથલીમાં ઊબેણ નદી બે કાંઠે વહી રહી છે. ભેસાણ અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો જેના કારણે ઊબેણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. ભેસાણમાં ભારે વરસાદ પડતા પુર આવ્યું હતું.વંથલીમાં ખેડૂતોના ખેતરો અને બગીચાઓમાં પાણી ઘુસ્યા છે. નદી કાંઠાના ખેતરોમાં નુકસાન થયું છે.
ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે. આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial