વિકાસના મુદ્દે મતદારોનો નેતાઓને જાકારો, અનેક ગામોમાં ન પડ્યા મત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2021 07:20 AM (IST)
છોટાઉદેપુરનું ઊંચાકલમ ગામનાં મતદારોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામ પંચાયત અસ્તિવમાં નહીં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવવા માટે મતદાન કર્યું ન હતું.
પ્રતિકાત્મક તસવીર.
રાજ્યમાં રવિવારે જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે કેટલાક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. કચ્છના ભુજ તાલુકાના દેશલપરમાં ખાનગી ટ્રસ્ટને જમીન સોંપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામમાં વણકરવાસ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાના મુદ્દે મતદાનથી અળગા રહ્યા હતા. તો અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં એક પણ મતદારે મત આપ્યો ન હતો. ગામ હજુ પણ વિકાસથી વંચિત હોવાથી ગ્રામજનોએ પોતાનો રોષ મતદાનથી દૂર રહીને વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુરનું ઊંચાકલમ ગામનાં મતદારોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામ પંચાયત અસ્તિવમાં નહીં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવવા માટે મતદાન કર્યું ન હતું. તો આણંદ જિલ્લાના ડભાસી ગામના લોકોએ પણ ચૂંટણીનો કર્યો બહિષ્કાર હતો. હાઇવે પર ગરનાળા બનાવવાના મુદ્દે લોકોએ આંદોલન છેડ્યું છે અને તેના ભાગરૂપે મતદારો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.