અમદાવાદ: ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે શિક્ષકની લાયકાત અને રેશિયો નક્કી કરતો એક ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે ભરતી માટેના નિયમો જાહેર કર્યાં છે, જે પ્રમાણે માધ્યમિક સ્કૂલોમાં કમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે ઉમેદવારે બીએડની સાથે કમ્પ્યુટર વિષય સાથે ટાટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટર શિક્ષકે અન્ય વિષય પણ ભણાવવાનો રહેશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કમ્પ્યુટર શિક્ષકની ભરતીને લઈને શિક્ષણ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બંને વિભાગ માટે અલગ-અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે. માધ્યમિક સ્કૂલો માટે સ્નાતક જ્યારે કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી માટે અનુસ્નાતક લાયકાત મુખ્ય ગણી છે. આ ઉપરાંત ઉમેદવારે ટાટની પરીક્ષા કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોવી જોઈએ.

ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે શિક્ષણની લાયકાત અંગે જે ઠરાવ કરાયો છે તે મુજબ, ભરતી થયેલા શિક્ષકે સ્કૂલમાં જે વિષયના શિક્ષકની અછત હશે તે વિષય વિદ્યાર્થીને ભણાવવાનો રહેશે.


માધ્યમિક સ્કૂલો માટે ઉમેદવાર પાસે બીસીએ, બીએસ (આઈટી), બીઈ-બીટેક (આઇટી), બીએસસી (કમ્પ્યુટર સાયન્સ), એમએસસી (કમ્પ્યુટર સાયન્સ) ઉપરાંત કમ્પ્યુટર વિષય સાથે ટાટ પાસ કરેલી હોવી જોઈએ. આ સાથે ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલો માટે ઉમેદવારે બીસીએ-એમસીએ, બીએસસી- એમએસસી, બીઇ-એમઈ, બી ટેક-એમ ટેક, બીએસસી-એમએસસી, એમએસસી (આઇટી) ઈન્ટગ્રેટેડ કોર્સ કરેલો હોવો જોઈએ.

શિક્ષણ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, આવનારા સમયમાં શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે તેમાં એ જ સ્કૂલોને કમ્પ્યુટર શિક્ષકોનો લાભ મળશે જેમાં 6 કરતાં વધુ વર્ગો હોય. છથી વધુ વર્ગ ન ધરાવતી હોય તેવી સ્કૂલોને કમ્પ્યુટર શિક્ષકો નહીં મળે.