બનાસકાંઠા: થરા-હારીજ રોડ ઉપર આવેલ ખારીયા ગામ પાસે રાત્રે હાઈવે ઉપર જઇ રહેલા રાહદારીને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા આધેડનું મોત નીપજ્યું હતું. થરા-હારીજ રોડ ઉપર આવેલ ખારીયા ગામ પાસે રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઈવે ઉપર જઇ રહેલ રાહદારીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. આ અકસ્માતમાં રહદારી ગંભીરે રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ આધેડવયના વ્યક્તિને થરા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે થરા હારીજ રોડ ઉપર ખારીયા ગામ પાસે હાઈવે ઉપર જઈ રહેલા અને પોતાના ખેતરથી બીજા ખેતર તરફ જતા સમયે 45 વર્ષીય કલુભા નાનુભા વાઘેલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આધેડવયના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે અકસ્માત સર્જી વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. ઘાયલને સ્થાનિક લોકોએ થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોકે ત્યાંના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે થરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના
મહેસાણા જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં લગાતાર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. મહેસાણા જીલ્લાના રસ્તાઓ પર હિટ એન્ડ રનની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો મહેસાણાના ઘુમાસણ ગામનો અજય પટેલ ઉમર વર્ષ ૨૭ પગપાળા સંઘ લઇ ઉમિયા માતાજીના દર્શને જતો હતો ત્યારે મહેસાણા ઉંઝા રોડ પર રાતના એક વગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને રોડ પર તડપતા તડપતા તેનું મોત થયું.
અજયના પરિવારમાં એક ભાઈ તેના માતાપિતા અને એક પત્ની છે. જોકે ઘરમાં કમાનાર આ એક જ યુવાન હતો ત્યારે તેની પત્ની પૂનમ પટેલ રડતા રડતા કહે છે કે અમારું કોણ ? મારા પતિને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ત્યાથી ચાલક નાસી ગયો. જો તેમને સમયસર સારવાર મળી હોત તો તેઓ બચી ગયા હોત. હવે અમારો સહારો કોણ ? મારા પતિએ લોકોની બહુ સેવા કરી પણ તેમને કોઈ સારવાર કરવા લઇ ન ગયા. યુવકના પિતા પણ રડતી આખોએ પોલીસ તંત્રને અપીલ કરે છે કે બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો જરા ધ્યાન આપે કારણ કે આપની બેદરકારીથી કોઈનો પરિવાર વિખેરાઈ જાય છે.
મહેસાણા જીલ્લામાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની મહેસાણા અમદાવાદ હાઇવે પર. મેવડ ગામના પાટિયા પાસે બોરીયાવી ગામના જેન્તીભાઈ મકવાણા ઉમર વર્ષ ૬૦ આમદાવાદ લગ્નમાં જવા નિકળ્યા હતા ત્યારે રોડ પર બસમાં બેસવા જતા હતા ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી જેમાં આ વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન મોત થયું. મહેસાણા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હીટ એન્ડ રનની બે ઘટના બની જેમાં બે લોકોના મોત થયા. મહેસાણા પોલીસ ભલે રોડ સેફટીના નામે લાખો રૂપિયાના દંડ વસુલે કે પછી જાહેરાત કરે પરતું મહેસાણા જીલ્લામાં રોજ હીટ એન્ડ રનની ઘટના બને છે અને પોલીસ માત્ર ગુનો નોધી રહી છે.