નવી દિલ્હીઃ ચાલુ વર્ષે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યા બાદ હવે ધરતીપુત્રોને (Farmers) વધુ એક મોટો ફટકો લાગ્યો છે. ઈફ્કો (IFFCO) દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી ખાતર કંપની ઈફ્કોએ વિશ્વબજારમાં કાચામાલ અને તૈયાર ખાતરના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં બિન યુરિયા ફર્ટિલાઇઝરના ભાવ વધાર્યા છે.
કયા ખાતરમાં કેટલો થયો વધારો
ઇફ્કો કંપનીએ ડાઇ અમોનિયા ફોસ્ફેટ (ડીએપી) સહિત કોમ્પલેક્સ ફર્ટિલાઇઝરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગમાં 700 રૂપિયા અને એએસપી ખાતરની બેગમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ ડીએપી ખાતરની બેગનો ભાવ 1900 રૂપિયા , એનપીકે 12:32:16 ખાતરની બેગનો ભાવ 1800, એનપીકે 10:26:26 ખાતરની બેગનો ભાવ 1175 થયો છે. જ્યારે એએસપી ખાતરની બેગનો ભાવ 1350 રૂપિયા થયો છે.
ખેડૂતો પર વધશે ભારણ
આ ખાતરો જમીનને માત્ર પોષક તત્વો જ નહીં પણ પાકની વૃદ્ધિમાં વધારો કરતાં હોવાથી ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદ્યા વગર છૂટકો નથી. એક તરફ સરકારના બજેટમાં દર વર્ષે ખાતરમાં સબસીડી આપવાની મોટી જાહેરાતો થાય છે ત્યારે રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો થતાં ખેડૂતોના માથે આર્થિક ભારણ વધ્યું છે.
કોંગ્રેસે શું કર્યો આક્ષેપ
ઇફ્કો દ્વારા ભાવ વધારવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ખેડૂતોનો કંપની પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે.
કેટલો ભાવ વધારો થયો
ખાતર |
જૂનો ભાવ (રૂ.) |
નવો ભાવ (રૂ.) |
ડીએપી |
1200 |
1900 |
એએસપી |
975 |
1350 |
એનપીકે 12:32:16 |
1185 |
1800 |
એનપીકે 10:26:26 |
1175 |
1775 |