અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. ત્યારે રવિવારે કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજીનામાં આપી દીધા છે. આ ઉપરાંત વધુ બે ધારાસભ્ય ગૂમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જોકે સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની પણ હાલ ચર્ચા ચાલી રહી છે.


સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં હલચલ તેજ બની છે .

ગુજરાતમાં હાલ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવતાં જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના જીતની સંભાવના વધી ગઈ છે. જ્યારે હાલ કોંગ્રેસના એક ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવું પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.

લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત પ્રવીણ મારુ અને પ્રદ્યુમન સિંહ જાડેજાએ પણ રાજીનામું આપી દીધું છે.