અમરેલીઃ ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના  સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઈ સાવલિયાએ કોંગ્રેસમાથી રાજીનામુ આપી દીધુ છે. સાવલિયાએ રાજીવ સાતવને નિષ્ફળ પ્રભારી ગણાવી વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઇ સાવલીયાએ  કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપતા જણાવ્યું કે, આજ સુધીના સૌથી નિષ્ફળ પ્રભારી રાજીવ સાતવ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પીરીયડમાં 15થી વધુ ધારાસભ્યો પક્ષ છોડી જતાં પક્ષે ભારે નાલેશી સહન કરવી પડી છે. આમ છતાં તેમને દૂર કરવામા આવતા નથી.

તેમણે કહ્યું કે, મે બારહસો  કરોડ કા માલિક હું જેવા વિધાનો કરનાર આગેવાનોને પક્ષમાંથી દૂર કરવાની પાર્ટીમા હિમત કે ઇચ્છા શકિત નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ તદ્દન નિષ્ફળ છે. તાજેતરમા જિલ્લા કોંગ્રેસ સમિતીના કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણુંક પક્ષના બંધારણની વિરૂધ્ધ કરાઈ છે.   પક્ષની વ્યકિતની નિમણુંક કરવી જોઇતી હતી પણ પક્ષના નિષ્ઠાવાન આગેવોન કે ચર્ચા કર્યા વગર નિમણુંક કરાઇ છે.