Gujarat Weather Update: શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ રાજકોટમાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા. શહેર અને જિલ્લામાં ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બન્યું હતું.  તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની દ્વારા આ અંગેની પહેલા જ આગાહી કરવામાં આવી હતી. જો વરસાદ પડે તો શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જીરું, ચણા અને લસણ સહિતના શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. થોડા છાંટા પડે તો પણ જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.


 



આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આઠથી દસ હજાર ગુણી મગફળી પડી છે. અમુક વેપારી અને ખેડૂતોએ મગફળી પલડે નહીં તે માટે ઢાંકી દીધી છે. સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં કમોસમી વરસાદ પડે છે. વાદળછાયા વાતાવરણ વધતા સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા વધી છે.


તો બીજી તરફ કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લો પ્રેશરના કારણે દરિયો તોફાની બની શકે તેવી શક્યતા છે. માછીમારોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત મોરબી નવલખી બંદરે પણ એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હવામાન ખાતાની આગાહીને લઈને સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.


જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં વિસ્તારમાં હજુ પડી શકે છે વરસાદ


હવામાન વિભાગના અનુસાર વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.વરસાદ દરમિયાન ખેડૂતોને પાકનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. જો કે, 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. 20 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.


અમરેલીમાં  હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે.ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં  ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે