છોટાઉદેપુર: પાવી જેતપુરના કલારાની ગામે ખાનગી બસ અકસ્માત બાદ સળગી ઉઠી હતી. ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવારનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં બાઈક બસની નીચે ઘસડાતા બસ સળગી ઉઠી હતી. જો કે, રાહતની વાત એ છે કે, બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.
ગઇ રાત્રે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક દેખાયો, અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે, સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી, આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી. જોકે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા, છુટી ગયા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ.
શહેરમાં 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ફરી એકવાર સૂર્યનો પ્રકોપ શરૂ થઇ ગયો છે, કોમોસમી વરસાદ અને માવઠાઓની વચ્ચે હવે ફરી એકવાર લોકો સખત તડકામાં શેકાવવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાના આગાહી કરવામાં આવી છે, યલો ઓરેન્જ બાદ હવે ઓરેન્જ એલર્ટ માટે લોકોને ચેતવવામાં આવ્યા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં એટલે કે 10 અને 14 મેએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ માટે તમામ UHC ખાતે ORSની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.