ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતમાં લગ્નની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. 16મી ડિસેમ્બરથી કમુર્તા બેસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે.


કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે.



અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે પીડીએફ પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માંગ કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય સત્કાર સમારોહમાં પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જો કે લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણયને હટાવી લીધો હતો. લગ્નમાં સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો.

જ્યારે લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.