હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, ભાવનગર, સોમનાથ, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ અને આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, શુક્રવારે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 13મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.