ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી વેકેશન પૂરું થયા બાદ હવે રાજ્યમાં શાળાઓ ચાલુ થઈ જશે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બુધવારે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં દિવાળી વેકેશન પૂરું થયા બાદ 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થઈ રહી છે. હાલના તબક્કે ધોરણ 9થી ધોરણ 12 ના વર્ગો ચાલુ કરવામાં આવશે. જે પછી ધીમે ધીમે અન્ય વર્ગો પણ ચાલુ કરી દેવામાં આવશે. ગુજરાતમાં સ્કૂલો ચાલુ થતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળાએ જવું પડશે અને ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે એવી અફવાઓ ચાલી હતી પણ સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે. શાળાએ બાળકોને સ્કૂલમાં બોલાવતાં પહેલાં માતાપિતાની સંમતિ લેવી જરૂરી છે.

ચુડાસમાએ જાહેરાત કરી છે કે, દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ યુનિવર્સીટીમાં ભૌતિક રીતે શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 23 નવેમ્બર સોમવારથી ધો 9 થી 12 ના વર્ગો ભારત સરકારની ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે. રાજ્ય સરકારે સ્કૂલો માટે અને વિદ્ય્રાથીઓ માટે કેન્દ્ર સરકારની એસઓપીનું ફરજિયાત પાલન કરાવવાનું રહેશે. હાલમાં મધ્યાહન ભોજન કે રિસેસમાં બાળકો ભેગા ન થાય તે માટેની જવાબદારી સ્કૂલમાં આચાર્યની રહેશે.

બાળકને સ્કૂલે મોકલવા માટેનું ફોર્મ માતાપિતાએ સંમતિપત્રક ભરીને આપવું પડશે. સ્કૂલોમાં વર્ગો ઓડ ઈવન પ્રમાણે ચાલુ કરવાના રહેશે. અઠવાડિયામાં 3 દિવસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે સ્કૂલોએ જવું પડશે.

આ ઉપરાંત આચાર્યે રિસેસ કે અને લંચ ટાઈમમાં બાળકો ભેગા ન થાય તે જોવાનું રહેશે. હાથ ધોવા માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની રહેશે. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. પ્રાર્થના વગેરે સહિતમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત રહેશે. મધ્યાહન ભોજન ની ફી બાળકોના ખાતામાં સીધી જમા કરાશે.