ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે. આગામી 3 દિવસ અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 24 કલાકમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથ, રાજકોટ,જામનગર અને અમરેલીમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. 9 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના છે. 10 જુલાઈએ સુરતસ વલસાડ, ભરૂચ સહિત અન્ય જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
9 જુલાઈએ કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 10 જુલાઈએ ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે કપરાડામાં 8 ઈંચ, વાપીમાં 6 ઈંચ અને ખેરગામમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 23.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 16.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 25.64 અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.26 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં પ્રથમ વરસાદ જાણે કહેર બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરમાં 3.5 ઇંચ, ચકુડિયામાં 2.5, ઓઢવમાં 2.5 અને વિરાટનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી કોતરપુર, મણિનગર, ખમાસા અને મેમકો વિસ્તારમાં પોણા બેથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ટાગોર કંટ્રોલમાં દોઢ, ચાંદખેડામાં સવા, બોડકદેવમાં દોઢ, સાયન્સ સિટીમાં એક, ગોતામાં એક, સરખેજમાં એક, દુધેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ એવરેજ અમદાવાદમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ભારે વરસાદને પગલે પીઠાખળી અને વિરાટનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.