Pal Ambalia relief package statement: કૃષિમંત્રીની જૂનાગઢ મુલાકાત દરમિયાન કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આજે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સરકાર પર અનેક મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા હતા.


આંબલિયાએ જણાવ્યું કે, "કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિનો સ્વીકાર કર્યો છે, તો પછી રાહત પેકેજ કેમ જાહેર કરવામાં નથી આવ્યું?" તેમણે ઉમેર્યું કે ઘેડનો પ્રશ્ન કાયમી છે એવું સરકારે સ્વીકાર્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારે આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી.


કિસાન નેતાએ માગણી કરી કે સરકારે બે મહિનામાં ઘેડના પ્રશ્નો ઉકેલવા માટે એક્શન પ્લાન જાહેર કરવો જોઈએ. તેમણે ઊબેણ નદીમાં ઠાલવાતા કેમિકલ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી અને ઘેડ વિકાસ નિગમની સ્થાપના કરવા જણાવ્યું.


આંબલિયાએ કૃષિમંત્રી પર આક્ષેપ કર્યો કે તેમણે અંતરિયાળ ગામોની મુલાકાત કેમ રદ કરી. તેમણે આરોપ મૂક્યો કે, "જો મંત્રી અંતરિયાળ ગામોમાં ગયા હોત તો R&B વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાત."


આ ઉપરાંત, માણાવદર અને પાદરડી ગામની મુલાકાત રદ કરવા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.


કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી




ગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે માણાવદર, વંથલી અને કેશોદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી.


મુલાકાત દરમિયાન કૃષિમંત્રીએ જણાવ્યું કે, "રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે." તેમણે ઉમેર્યું કે ઊભા પાકને થયેલ નુકસાન, ખેતરોનું ધોવાણ અને પ્રભાવિત માર્ગોની મરામત જેવા મુદ્દાઓ પર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે.


ઘેડ પંથકની સમસ્યાઓ અંગે બોલતા મંત્રીએ કહ્યું, "આ વિસ્તારના નાગરિકોને ચોમાસામાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે." તેમણે જણાવ્યું કે હાલમાં સર્વે સહિતની કામગીરી ચાલી રહી છે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


જોકે, સ્થાનિક લોકોએ ધ્યાન દોર્યું છે કે દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં આવી સમસ્યાઓ સર્જાય છે અને સરકાર તરફથી આશ્વાસનો અપાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી સમાધાન મળ્યું નથી.