Gujarati News: સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો (Gujarat monsoon 2024) માહોલ જામ્યો છે અને મોટા ભાગે રાજ્યના તમામ જીલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં ચાલુ ચોમાસામાં હજુ સુધી માત્ર ૨૫% જેટલો જ વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જેને ધ્યાને લઇને વઢવાણ-મેમકા રોડ (Wadhwan – Memka road) પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને મેઘરાજાને રીઝવવા માટે રામધૂન થકી પ્રયાસ કર્યો હતો.
ઝાલાવાડના ખેડૂતો બારે મહિના અલગ અલગ સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે. જેમાં ચાલુ ચોમાસાની સીઝનમાં કપાસ, મગફળી, જુવાર સહિતના પાકોનું હજારો હેકટર જમીનમાં વાવેતર કરી નાખ્યું છે પરંતુ ચાલુ ચોમાસાની સીઝનમાં અનિયમિત અને અપુરતો વરસાદ પડતાં ખેડૂતોને મહામહેનતે કરેલ વાવેતરને અસર થઈ રહી છે. રાજ્યભરમાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 30% જેટલો જ વરસાદ નોંધાયો છે.
રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા
છેલ્લા ૧૫ દિવસથી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે પરંતુ વરસાદ નથી પડતો ત્યારે આવી સ્થિતિમાં મેઘરાજાને મનાવવા માટે ખેડૂતો દ્વારા વઢવાણ-માળોદ રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે રામધૂન તેમજ મલિંદોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર થી પાંચ ગામોના ખેડૂતો જોડાયા હતા અને રામધૂન બોલાવી મેઘરાજાને મનાવવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.
સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે રાજ્યના 206 પૈકી 74 જળાશયો હાઈએલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઈએલર્ટ પર છે તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે. 70થી 80 ટકા ભરાયેલા 13 ડેમ વોર્નિંગ પર છે.