પાલનપુરઃ દાંતીવાડાથી લગ્નમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલનપુરના રતનપુર પાસે મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બચાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સતલાસણા નાનીભાલું ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા. ઇકો કારમાં નીકળેલો આ પરિવાર રતનપુર પાસે પહોંચ્યો ત્યારે ટ્રક સાથે ઇકોનો અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.


અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યોમાંથી 3 સભ્યોના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર સારવાર હેઠળ છે. મૃતકોને પીએમ અર્થે ખસેડી પાલનપુર તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઇકો અને ટ્રક વચ્ચે એટલો ભયાનક હતો કે ઇકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.