ગોધરા : સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની 14 હજાર ઉપરાંત બોરીઓનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં ગોધરા પોલીસે કથિત ષડ્યંત્રના મુખ્ય સૂત્રધાર અને તત્કાલીન ગોડાઉન મેનેજર કે.એન.રોતની તેના વતનમાંથી આઠ માસ બાદ ધરપકડ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ચાર વ્યક્તિઓ સામે શહેરા મામલતદારે શહેરા પોલીસ મથકે અનાજના જથ્થાની 3.67 કરોડ રિકવરી રેટ અંગે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભારે ચકચાર મચી ગઇ હતી. 


ગત ફેબ્રુઆરી માસમાં શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની ફરિયાદ અન્વયે ગાંધીનગર વિજિલન્સ ટીમ કચેરી દ્વારા શહેરા ખાતે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા સહિતના જથ્થાની ચકાસણી કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન જિલ્લા પુરવઠા મામલતદાર અને શહેરા મામલતદાર ટીમે સરકારી અનાજના ગોડાઉનમાં તપાસ કરતાં સ્ટોક પત્રકમાં ઉપલબ્ધ જથ્થા કરતાં 13127 બોરી ઘઉં અને 1298  બોરી ચોખાનો મળી કુલ 1.46  કરોડ બજાર કિંમતનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. 


દરમિયાન ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોતે ટેકનીકલ ખામીનું બહાનું કાઢ્યું હતું. જોકે આ કથિત કૌભાંડ અને ષડ્યંત્રમાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડે ગોડાઉન મેનેજર કે.એન.રોત, સીએ ટીમ પ્રતિનિધિ વિજય તેવર એન્ડ કંપની, ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર રોયલ ટ્રાન્સપોર્ટ વતી આરીફ શેખ સામે શહેરા પોલીસ મથકે અનાજના રિકવરી રેટ ૩,૬૭,૭૩,૯૦૦ રૂપિયાની સરકાર સાથે ષડ્યંત્ર રચી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં છેલ્લા આઠ માસથી કથિત અનાજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કનૈયાલાલ રોત પોલીસ ધરપકડ ટાળવા ભાગતો ફરતો હતો જેની ગોધરા ડીવાયએસપી સી.સી. ખટાના અને ટીમે આરોપીના વતન માંથી ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.