Panchmahal : ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala project)ના નામે ખાનગી કોન્ટ્રાક્ટરોને માટી ચોરીનો જાણે પરવાનો મળ્યો એ રીતે  જિલ્લામાં એક પછી કરોડોની માટી ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. આં વખતે માટી ચોરી નાં આક્ષેપ કોઈ સામન્ય વ્યકિત એ નહી પરંતુ શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ  જેઠા ભરવાડ (MLA Jetha Bharwad) દ્વારા કરવામાં આવ્યા છે.


MLA જેઠા ભરવાડે મુખ્યપ્રધાનને કરી રજૂઆત 
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પંચમહાલ જીલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીનકોરીડોર હાઇવેના નિર્માણ કાર્યમાં ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડો રૂપિયાની માટી ચોરી કરતા હોવાના પણ લેખિતમાં રજૂઆત કરી આક્ષેપો કરવામાં આવ્યા છે.  ખાંડિયા ગામના અગ્રણી દ્વારા શહેરાના ધારાસભ્યને સમગ્ર મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવતા રજૂઆતને પગલે શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.


દિલ્હી-મુંબઈ ગ્રીનકોરીડોર હાઈવે શરૂઆતથી જ વિવાદમાં 
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ ગ્રીનકોરીડોર હાઈવેનું નિર્માણ કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટ વિવાદનો પર્યાય બની ગયો છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખાંડિયા ગામના તળાવમાંથી મોટાપાયે માટીની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. 


ખાનગી કંપનીએ 9,83,081 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરી નાખ્યું 
ખાંડિયા ગામના તળાવમાંથી માટી ખોદીને તે માટીને દિલ્હી-મુંબઈ હાઇવેના નિર્માણ કાર્યમાં GHV ઇન્ફ્રા કંપની દ્વારા વાપરવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે આ ખાનગી કંપનીને આ ગામના તળાવથી 99,000 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. જયારે કંપની દ્વારા 9,83,081 મેટ્રિક ટન માટીનું ખોદકામ હાલમાં કરી નાખવામાં આવ્યું છે. ગામના એકમાત્ર તળાવને એક ઊંડી ખાઈમાં ફેરવી નાખી.


સ્થાનિકો દ્વારા તળાવની માપણી કરવામાં આવતા આ ખાનગી કંપની દ્વારા 1470 ફૂટ લંબાઈ,741 ફૂટ પહોળાઈ અને 22 ફૂટ ઊંડાઈનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ખાણખનીજ વિભાગ દ્વારા આપવામાં આવેલા રોયલ્ટી પાસ કરતા અનેક ગણી  માટીનું વહન પણ આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરીને સરકારને ભારે આર્થિક નુકસાન પહોંચાડી રહી છે. ગામના એકમાત્ર તળાવને એક ઊંડી ખાઈમાં ફેરવી નાખી છે. 


ખાનગી કંપનીએ કહ્યું, “1 ટન માટી સામે 10 લાખની લાંચ આપીએ છીએ”
સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં  સરકારી ભાવ પ્રમાણે એક મેટ્રિક ટનના 247 રૂપિયા લેખે કંપની દ્વારા કરવામાં આવેલા માટી ચોરી મુજબ રૂ.24 કરોડ 28 લાખની માટી ચોરી કરવામાં આવી છે. સમગ્ર મામલે સ્થાનિકો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે કપનીના અધિકારીઓને માટી ખોદકામ અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ દસ્તાવેજો ન આપી જણાવ્યું હતું કે જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને અમે એક ટનના રૂ.10 લેખે લાંચ આપીએ છીએ માટે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરો. 


સમગ્ર મામલે સ્થાનિક અગ્રણી દ્વારા શહેરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડને લેખિતમાં રજૂઆત કરતા તેઓએ પણ સમગ્ર મામલે મુખ્યપ્રધાનને તટસ્થ તપાસ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી કંપની પાસે તમામ રોયલ્ટી વસુલ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે.