Kheda : ખેડા જિલ્લાના માતર તાલુકામાં 500 ખેડૂત બોગસ બનવાની ઘટનામાં હવે મોટા સમાચાર સામે આવ્યાં છે. માતરમાં 500થી વધુ નકલી ખેડૂતોમાં હવે ગાંધીનગરના પૂર્વ કલેકટર  IAS એસ.કે.લાંગાનું પણ નામ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના પૂર્વ કલેકટર  IAS એસ.કે.લાંગાએ માતર તાલુકાના વિરોજામાં સર્વે 280માં 4 હેકટર જમીન ખરીદી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ જમીન ખરીદી મામલે તેમના પર બોગસ ખેડૂત બન્યાના આરોપો લાગ્યાં છે. 


મહેસુલ વિભાગે શરૂ કરી કાર્યવાહી 
મળતી માહિતી મુજબ આ મામલે મહેસુલ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. માતરના મામલતદાર ગણોતધારાની કલમ 84-C મુજબ કાર્યવાહી કરી છે અને નોટિસ આપી  સાચા પુરાવા રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. જો આ નોટિસના જવાબમાં સાચા પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો  IAS એસ.કે.લાંગા સામે કાર્યવાહી થઇ શકે છે અને તેમના નામે ખરીદવામાં આવેલી જમીન શ્રીસરકાર થઇ શકે છે. 


IAS એસ.કે.લાંગા પર પહેલા પણ આરોપો લાગ્યા છે
ઉલ્લેખનીય છે કે IAS એસ.કે.લાંગા પર પહેલા પણ આરોપો લાગ્યા છે. એસ.કે.લાંગા સામે પંચમહાલમાં પણ ફરિયાદ થઈ હતી. લાંગા પંચમહાલ, ખેડા ગાંધીનગરમાં કલેકટર અને ડીડીઓ તરીકે બજવી  ફરજ ચુક્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં પણ એસ.કે.લાંગાએ કૌભાંડ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.