ગાંધીનગર:  રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે.  બંગાળની ખાડીમા એક લોપ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદ વરસશે.  11 થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે જેના કારણે વરસાદ વરસશે. આ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે.  રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ લો પ્રેશરના કારણે ખૂબ સારા વરસાદની શક્યતા છે.  16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમા સારા વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 


ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગે આપ્યું એલર્ટ


હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટછવાયો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જેની અસરથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઓગસ્ટ માસમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જો કે છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે.  ઉપરાંત અમદાવાદમાં પણ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં કેટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ


ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જો કે અમદાવાદ શહેરમાં હજુ 21 ટકા વરસાદની ઘટ છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 71 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ વરસયો છે.  રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 136 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો   110 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial