Patidar Beard Rituals Ban: અત્યારે દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ગુજરાતમાં વૈશાખ મહિનામાં સૌથી વધુ લગ્નો યોજાય છે, આ મહિનામાં મોટાભાગના સમાજના સમૂહ લગ્નોત્વસ પણ યોજાય છે. પરંતુ આ વખતે અખાત્રીજના દિવસે કચ્છ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અખાત્રીજના દિવસે યોજાનારા સમાજના સમૂહલગ્નમાં સમાજના યુવાઓને કેટલાક સંકલ્પો લેવડાવવામાં આવશે, જેમાં ફેશનેબલ દાઢી અને પ્રી વેડિંગ જેવા દુષણોને પ્રતિબંધિત કરાશે.
આગામી 10મી મેએ રાજ્યમાં પવિત્ર અને વણજોયેલુ મુહૂર્ત આવી રહ્યું છે, આ દિવસે અખાત્રીજ છે, અને અખાત્રીજે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા એક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમૂહલગ્ન સમાજના હિતમાં કચ્છ કડવા પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણય લેશે, અખાત્રીજે યોજાનારા સમૂહ લગ્ન સમારંભમાં ફેશનેબલ દાઢી, પ્રિ-વેડિંગને તિલાંજલિ અપાશે. આ સાથે જ વ્યસન અને ફેશનમુક્ત રહેવાના શપથ પણ સમાજના યુવાઓને લેવડાવવામાં આવશે. આ સમૂહલગ્નોત્સવમાં 22 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.