ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પાટીદાર આંદોલન અંગેના કેસ પાછા ખેંચવા રજુઆત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કેસ પાછા ખેંચવાની માગણી કરી છે. અગાઉ સરકારે કેસ પરત કરવાનું વચન આપ્યું હતું, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે.


સુપ્રીમકોર્ટે પણ સરકાર સામે બોલનાર પર રાજદ્રોહનો કેસ ન કરવા કહ્યું છે. પદ્માવતી ફિલ્મના વિરોધ અંગે કરણીસેના સામે થયેલા કેસ પાછા ખેંચાયા છે. પાટીદાર આંદોલન અંગેના પોલીસ કેસ પાછા ખેંચવા કાર્યવાહી કરો, તેમ હાર્દિક પટેલે પત્રમાં રજૂઆત કરી છે.  સરકારે આપેલા વચન પુરા કરવા દરેક મુખ્યમંત્રીની ફરજ છે, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે. 


હાર્દિક પટેલે પત્રમાં લખ્યુ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ આપને અભિનંદન પાછવુ છું. ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભલીને સારા કામ કરશો. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો, એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તે આશા રાખું છું. 


પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઉભું કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજે દાન આપીને સંસ્થાઓ ઉભી કરી છે. હવે ગામડાઓમાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે. તેથી ઘણાં કૂટુંબોમાં ગરીબી વધી છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે 2015ના જુલાઇ મહિનામાં પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. તે આંદોલનથી વિવિધ યોજનાઓ થકી પાટીદાર સમેત અનેક સમાજના ગરીબ વર્ગને ફાયદો થયો છે. 


હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, એક કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલન કરેલું, તેમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે. જો આંદોલન ખોટું હોત તો તે ફાયદો ન થયો હતો. માત્ર ગુજરાત જ નહીં પણ કેન્દ્રની સરકારે પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યા હતા.