લોકડાઉનના ત્રણ મહિના ઉપરાંતના સમયથી બંધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જોકે પ્રથમ દિવસે વરસાદી માહોલ અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.


કોરોના મહામારીને લઈ લોકડાઉન દરમિયાન રાજ્યના અનેક મંદિરો સાથે પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે અંદાજીત ત્રણ માસ ઉપરાંતના સમયગાળા બાદ આજે સરકારના નિયમોને અનુસરી ખોલવામાં આવ્યા છે. દર્શન માટે મંદિરનો સમય સવારે 6 કલાકથી સાંજના 7 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. વરસાદી માહોલના કારણે વહેલી સવારેથી ડુંગર આસપાસ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ડુંગરની ચારે કોર વાદળોનો ડેરો જોવા મળ્યો હતો. આકાશમાંથી વાદળો જાણે માતાજીના ચરણે આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ તરફ કોરોના વાયરસ સંક્રમણથી ભક્તો સુરક્ષિત રહે તે માટે મંદિર ટ્રસ્ટ અને રોપવે ઉડન ખટોલા સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝ સહિતની તમામ વ્યવસ્થા મંદિર પરિસરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે મંદિર દ્વારા પ્રસાદી વિતરણ અને ભોજન શાળા હાલ બંધ રાખવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શન કરવાનો લાંબા સમય બાદ દર્શન કરવાનો લ્હાવો પ્રાપ્ત થતાં ભક્તોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ હાલ પ્રસાદ, ચુંદડી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવાથી સ્થાનિક વેપારીઓ માટે આવકનો કોઈ સ્ત્રોત નહીં હોવાથી તેઓની ચિંતા યથાવત રહી છે.

કોરોના મહામારીને કારણે છેલ્લા ત્રણ મહીના ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં. કોવીડ 19ને લગતા તમામ નિયમો અનુસરી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર આજથી ખોલવામાં આવ્યા. શ્રી કાલિકા મંદિર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે મંદિર પેરિસરમાં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણથી તમામ ભક્તો સુરક્ષિત રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વાર સરકારની ગાઈડલાઇન મુજબ જરૂરી નિયમનો બહાર પાડવામાં આવ્યા છે.

ગાઈડલાઇન મુજબ દર્શનાર્થીઓએ માસ્ક ફરજીયાત પહેરીને આવવું કતાર માં બે ગજનું અંતર રાખવા સહીત ટેમ્પરેચર ગન દ્વારા તપાસ દરમિયાન જે દર્શનાર્થીઓનું ટેમ્પરેચર તાપમાન 100થી વધારે માલુમ પડશે તેમને મંદિરમાં પ્રવેશ પાવામાં આવશે નહીં તેમજ 10 વર્ષથી નાના બાળકો તેમજ 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની પણ મંદિરમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે.