Amreli News: અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને આખરે જામીન મળ્યા છે, જેનાથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.


આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.


આ ઘટનાક્રમ વચ્ચે, શુક્રવારે સેશન્સ કોર્ટમાં પાયલ ગોટીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી. આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર અને અન્ય સમાજના લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે પંદર હજારના બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આવતીકાલે, શનિવારે, આરોપ મુક્ત કરવાની અરજી પર સુનાવણી થશે અને જો કાર્યવાહી સમયસર પૂર્ણ થશે તો પાયલ ગોટીને આજે જ જેલમાંથી મુક્તિ મળી શકે છે.


યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા કે કેવી રીતે એક સ્ત્રીને રાત્રે બાર વાગ્યે તેના ઘરેથી પકડી લેવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે રાજકીય દબાણમાં કામ કર્યું, માર માર્યો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી. જો કે, બાદમાં પોલીસે ૧૬૯નો રિપોર્ટ ફાઈલ કરીને જણાવ્યું કે યુવતી વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી. વકીલે એ પણ પૂછ્યું કે યુવતીની ૨૫ વર્ષની ઉંમરે, લગ્નજીવન શરૂ થતા પહેલાં જે આબરૂનું નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે?


આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક નકલી લેટરપેડથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો....


મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'